પ્રાર્થનાસંઘ - ભદ્ર આશ્રમ અક્ષરધામ નિવાસી સ્વામીશ્રી ભદ્રની તપોભૂમિ છે. સ્વામીજી સ્થાપિત પ્રાર્થનાસંઘ લગભગ સાડા છ દાયકા જૂની સુરતની અગ્રગણ્ય સેવાસંસ્થા છે.
સ્વામીજીએ પૂ.સ્વામી શિવાનંદ (દિવ્ય જીવન સંઘ)પાસેથી સંન્યાસી દિક્ષા ગ્રહણ કર્યા પછી તેમની આજ્ઞાથી આ પવિત્ર ભૂમિ પર નિવાસ કરી તપ, ધ્યાન, યોગ સાથે વ્યાયામ, યોગભ્યાસ, અધ્યાત્મિક ચિંતન અને પ્રાર્થનાપ્રવૃત્તિ આદરી. પ્રાર્થનાને જીવનની અમોઘ શકિત માનતા તેઓએ પ્રાર્થના માસિક પ્રગટ કરીને લોકસેવા સાથે સર્વઘર્મ સમભાવ અને સદૂભાવનાનો દીપ પ્રગટાવ્યો જે આજે પણ ઝળહળી રહ્યો છે. પ્રાર્થનાની અમોઘ શક્તિનો ચમત્કાર તેમની સન્નિકટ આવેલા વિવિધ લોકોને થયો હતો. સ્વામીજીએ ગાંઘી વિચારધારાને અપનાવીને સર્વોદયનું સ્વપન સેવ્યું હતું ગુજરાત રાજ્યની સ્થાપના થતાસ્વામીજીને હાલ તાપી તટે જ્યાં ભદ્ર આશ્રમ છે. તે જ્ગ્યા પ્રાપ્ત થઈ. સુરતવાસી મહાજનોના આર્થિક સહયોગથી આ સ્થળે આશ્રમ રચીને નિયમિત પ્રાર્થના, ધ્યાનમંદિર, યોગભ્યાસ વગેરે પ્રવૃતિઓ આદરી હતી અને તે થકી આ ભૂમિને મહિમાવંતી બનાવી છે. તાપીમૈયાની ૨૦૦૬ ની મહારેલમાં આશ્રમનું મકાન, ધ્યાનમંદિર નાશ પામ્યું હતું. પરંતુ આ ભૂમિનો અધ્યાત્મિક પ્રભાવ એવો ને એવો જ અકબંઘ રહ્યો છે.
સ્વામીજીના અક્ષરવાસ પછી ભદ્રઆશ્રમ - પ્રાર્થનાસંઘને વિશેષ ચેતનવંતુ બનાવવાનું ભગીરથ કાર્ય પણ સુરતની વિવિઘ સંસ્થાઓ અને મહાજનોના આર્થિક સહયોગથી તથા સરકારી સહાયથી સંપન્ન થયું. આશ્રમના જર્જરિત મકાનની જ્ગ્યાએ પુન: નૂતન ઈમારતનું નિર્માણ થયું. સ્વામીજીની અધ્યાત્મિક ભાવના સાથે શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ત્રિવેણી સંગમ સાથે પુન: આશ્રમ ઘબકતો થયો. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પહેલા માળે સહારો" છગનગૌરી ભરતિઆ હિન્દુ સેનેટોરિયમ ટ્રસ્ટ પુરસ્કૃત "ભરતિઆ પ્રવૃત્તિ ખંડ" તથા બીજા માળે પ્રિયંકા જરીવાલા વેલનેસ સેન્ટર નિર્માણ પામેલ છે. સ્વામીજીના નિવાસ સ્થાનના જર્જરિત મકાન પર શ્રી ભદ્રેશભાઈ શાહ (આર્કિટેક્ચર) દ્વારા તેમના માતા અને પત્નીના નામથી વીરપ્રીતિ સંસ્કૃતિ સભાગૃહનું નિર્માણ થયું. સ્વામીજીના ધ્યાનમંદિરનું પુન: નિર્માણ "સ્વ. ગિરિશચંદ્ર ભદ્રશંકર ભટ્ટ ધ્યાન મંદિર" નામે એક ભક્તના આર્થિક સહયોગથી થવા પામ્યું છે.
પ્રાર્થનાસંઘના આશ્રયે પ્રતિ શનિવારે સર્વઘર્મ પ્રાર્થના તથા સદૂવાચન સાથે આખું સપ્તાહ વિવિઘ પ્રવૃતિઓ સતત ચાલતી રહે છે. પ્રાર્થનાસંઘમાં વાંચનાલય સાથે સાર્વજનિક પુસ્તકાલય, મહિલા પુસ્તકાલય તથા બાળ પુસ્તકાલય પણ છે, જેમાં લગભગ ૨૦,૦૦૦ પુસ્તકો છે. સ્વામીજીને અતિપ્રિય એવી યોગ પ્રવૃતિ - યોગવર્ગો, યોગચિકિત્સા પણ નિષ્ણાતો દ્વારા ચાલે છે. આ ઉપરાંત કેન્સર - એઈડૂઝ સારવાર તથા કેન્સર - લીવર હર્બલ સારવાર (વિના મૂલ્યે), હોમિયોપેથીક દવાખાનું, એક્યુપ્રેશર સારવાર, ફિઝીયોથેરપી તેમજ નેચરોપેથી સારવાર રાહત દરે આપવામાં આવે છે. જરૂરિયાત મંદ બહેનો માટે સીવણ વર્ગ અને આદિવાસી લોકો માટે વસ્ત્રદાનની પ્રવૃતિ પણ ચાલે છે. સ્વામીજી દ્વારા શરૂ થયેલ "પ્રાર્થના" મેગેઝીન આજે પણ સ્વામીજીની આધ્યાત્મિક સૌરભ સાથે તથા સાંપ્રત શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક માહોલ સાથે પ્રગટ થાય છે અને વિશાળ વાચક વર્ગમાં લોકપ્રિય બની ચૂક્યું છે. આ ઉપરાંત વિવિઘ કાર્યક્ર્મો, વ્યાખ્યાનો, પરિસંવાદ, પ્રદર્શનો, ભકિત સંગીતના કાર્યક્ર્મો દ્વારા પ્રાર્થનાસંઘ અનેકવિઘ પ્રવૃતિઓથી વર્ષભર કાર્યરત રહે છે. સ્વામીજીને અતિ પ્રિય એવી સંગીતપ્રવૃત્તિના પ્રચાર-પ્રસાર માટે શાસ્ત્રીય-સુગમ સંગીતના તથા કરાઓકે સંગીતના વર્ગોથી પણ આશ્રમની ભૂમિ પર પવિત્રતાનું વાતાવરણ રચાયેલું છે. સંસ્થા ગાંઘી વિચારધારાને વરેલી છે અને ગાંઘી ચિન્ધ્યા માર્ગે સમાજ સેવા કરવા કટિબદ્ધ છે. પ્રાર્થનાસંઘની તપોભૂમિ પર ભદ્ર આશ્રમને આંગણે જન સમાજને ઉપયોગી એવી આધ્યાત્મિક પ્રવૃતિ સ્વાસ્થ્યપ્રદ પ્રવૃતિ તથા વિવિઘ સામાજિક શૈક્ષણિક સાંસ્કૃતિ પ્રવૃતિઓનું સાતત્યપૂર્ણ પ્રયોજન થતું રહે છે. પ્રાર્થનાસંઘ દ્વારા સમજોપયોગી સંસ્કારનિષ્ઠ વચન પૂરું પાડતા ગ્રંથનું પૂન: પ્રકાશન કાર્ય પણ થાય છે.
અહીં થતી પ્રવૃતિઓની યાદી વેબસાઈટ પર પણ જોવા મળશે.